કૃષિ પાકોમાં રોગ થવા માટે રોગપ્રેરક, રોગગ્રાહ્ય પાક અને રોગ થવા માટે અનુકૂળ હવામાન આ ત્રણેય સુમેળ ભાગ ભજવે છે. આ ત્રણ પરિબળોને ધ્યાનમાં રાખી પાક રોગોનું પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય બનાવટ ‘પંચગવ્ય’ ના ઉપયોગથી સારી રીતે વ્યવસ્થાપન કરી શકાય. પંચગવ્ય એ એક સેન્દ્રિય બનાવટ છે. જે છોડની વૃદ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. પંચગવ્ય બનાવવા માટે મુખ્યત્વે પાંચ વસ્તુઓ જેવી કે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, દહીં અને ગાયનું ઘી, આ ઉપરાંત ગોળ અથવા શેરડીનો રસ, લીલા નાળિયેરનું પાણી, કેળા, અને પાણીની જરૂરીયાત હોય છે.

પંચગવ્ય બનાવવાની રીત:

    • પ્રથમ ગાયનું છાણ ૭ કિ.ગ્રા. અને ગાયનું ઘી ૧ કિ.ગ્રા. લેવું, આ બંનેનું મિશ્રણ કરી ત્રણ દિવસ સુધી રાખવું. સવારે અને સાંજે નિયમિત હલાવતા રહેવું.
    • ત્રણ દિવસ પછી ૧૦ લિટર પાણીમાં ગૌમૂત્ર ૧૦ લિટર ભેળવવું અને તેને ૧૫ દિવસ રાખવું. સવારે અને સાંજે નિયમિત રીતે હલાવતા રહેવું.
    • પંદર દિવસ પછી તેમાં ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહીં ૨ લિટર, લીલા નાળિયેરનું પાણી ૩ લિટર, ગોળ ૫૦૦ ગ્રામ અથવા ૩ લિટર શેરડીનો રસ અને સારા પાકેલાં કેળા ૧૨ નંગ ઉમેરવા. આ મિશ્રણને સાત દિવસ સુધી રાખવું. સવારે અને સાંજે નિયમિત હલાવતા રહેવું.
    • ઉપરોક્ત પદાર્થો મોટા મોઢાવાળા માટીના વાસણમાં અથવા સિમેન્ટની ટાંકી અથવા પ્લાસ્ટિકની ટાંકીમાં રાખવા અને તેને છાંયડામાં ખુલ્લુ રાખવું. આ મિશ્રણ દિવસમાં બે વખત સવારે અને સાંજે બરાબર હલાવતા રહેવું. પંચગવ્યનું મિશ્રણ ૨૫ દિવસે તૈયાર થઈ જાય છે. ટાંકીને છાંયડામાં રાખવી અને તેનું મોઢું તારની જાળી અથવા મચ્છર જાળીથી બાંધવું જેથી તેમાં ઘરમાખી ઈંડા ન મૂકે.

પંચગવ્યનો વપરાશ

(૧) છંટકાવ પધ્ધતિ દ્વારા

    પંચગવ્યનું ૩ ટકાનું દ્રાવણ વધુ અસરકારક માલૂમ પડેલ છે એટલે કે ૩ લિટર પંચગવ્ય ૧૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી બધા પાક માટે છાંટવું. દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાંવાળી વાપરવી.

(૨) પ્રવાહી પધ્ધતિ દ્વારા

    પંચગવ્યના દ્રાવણને ટપક સિંચાઇ અથવા પ્રવાહ સિંચાઇ દ્વારા પ્રતિ હેક્ટરે ૫૦ લિટર સિંચાઇ પાણી સાથે મિશ્ર કરી આપવાથી છોડનો વિકાસ પ્રમાણમાં સારો થાય છે.

(૩) બીજ/ ધરૂની માવજત વાવેતર કરતાં પહેલા

    પંચગવ્યના 3 ટકાના દ્રાવણમાં બીજ અને રોપાઓને (ધરૂ) ૨૦ મિનિટ સુધી ડૂબાડ્યા બાદ ફેરરોપણી માટે ઉપયોગ કરી શકાય છે. વાવણી પહેલા આદુ, હળદરની ગાંઠો, શેરડીના કટકાને ૩૦ મિનિટ સુધી ડૂબાડ્યા બાદ વાપરી શકાય છે.

સામાન્ય સંજોગોમાં પંચગવ્યનો છંટકાવ નીચે મુજબ કરવો જોઇએ.

    • ફૂલ બેસતા પહેલાં એક છંટકાવ
    • પાકના જીવનકાળ અનુસાર બે છંટકાવ
    • ફૂલ અને ફળ/શીંગો આવવાના સમયેએક છંટકાવ
    • પાકવાના સમયેએક છંટકાવ
ડૉ. એન.એમ.ગોહેલ૧, ડૉ. રઘુનંદન બી.એલ.૨ અને ડૉ.એન.બી.પટેલ૨ ૧વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ૨જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
#panchgavya uses # પંચગવ્ય
#ગીર ગાય
#ગાય
#દેશી ગાય
#panchgavya
#panchgavya deshi
#panchgavya gir cow
#panchgavya