કાપણી અને ઝૂડણી

સામાન્ય રીતે બીજની ગુણવત્તા તેમજ શુધ્ધતા જાળવવા માટે પાકની દેહધાર્મિક પરિપક્વતાએ કાપણી કરવી હિતાવહ છે. પાકની સુકવણી ત્રણ તબક્કમાં સમય રાખી કરવાથી ખેતરમાં થતુ નુકસાન અટકાવી શકાય છે. પાકની સુકવણીથી મુખ્ય વજન જાળવી શકાય છે. મજૂરોના અભાવે અથવા કોઇ યંત્રના અભાવે અથવા વાતાવરણ ની પ્રતિકૂળતાથી ખેતરમાં રહેલા પાકની સૂકવણી નહી કરવાથી બીજની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર નોંધાયેલ છે. દા.ત. ડાંગરમાં દેહધાર્મિક પરિપક્વતાએ કાપણીથી ૦.૬૦ થી ૦.૯૨ અને દેહધાર્મિક પરિપક્વતાથી ૨૦ થી ૩૦ દિવસ મોડી કાપણી કરવાથી ૧૨ થી ૧૮ % જેટલુ નુક્સાન જણાયેલ છે. કોઇપણ પાકની યોગ્ય સમયે કાપણી કરવાથી બીજનુ મહત્તમ વજન તથા ઓછું નુક્સાન જણાયેલ છે. અલગ અલગ પાકમાં કાપણી સમયે ભેજ જુદો જુદો હોય છે. જેમકે, ડાંગરમાં ૧૮ થી ૨૩ % , ઘઉં માં ૧૫ થી ૨૫ % અને મકાઇ માં ૧૮ થી ૨૬%.

કાપણી અને ઝૂડણી દરમિયાન ધ્યાન રાખવાના અગત્યના મુદ્દાઓ હાર્વેસ્ટર/ થ્રેસર વગેરે

હાર્વેસ્ટર/ થ્રેસર વગેરેના પ્રકાર, કાપણી તેમજ ઝૂડણીની પધ્ધતીઓ, કાપણી અને ઝૂડણી વચ્ચેના દિવસોનો ગાળો, ઝડપ, કોન્કલેવ ક્લીયરન્સ, તેમજ પાક્નો ભેજ, કાપણી અને ઝૂડણી ની કાર્યક્ષમતા, સફાઇની કાર્યક્ષમતા, અને યાંત્રિક નુકસાનની બીજના ઉગાવા અને બીજ ની સ્ફૂરણ શક્તિ પર અસર પડે છે. પાક સંપૂર્ણ સુકો હોય ત્યારેજ કાપણી કરવી જોઇએ નહી. સવારના સમયે ઝાકળ જણાય તો અથવા પાકની અપરિપક્વ અવસ્થાએ પાકની કાપણી કરવી જોઇએ નહી. પાકની લણણી સમયે મુખ્યત્વે જુવારમાં ૧૪-૧૬%, ડાંગરમાં ૧૬-૨૦%, ઘઉં અને મકાઇ માં ૧૬-૧૮%, ઓટમાં ૧૯-૨૨%, તેલિબિયા પાકોમાં ૧૨% થી ઓછો તેમજ કઠોળ પાકમાં ૧૫-૨૫% ભેજ યોગ્ય માલૂમ પડેલ છે. સામાન્ય રીતે જેમ બીજમાં ભેજ નું પ્રમાણ ઘટે તેમ ઝૂડણી કાર્યક્ષમતા વધે પરંતુ બીજ તૂટવાનુ પ્રમાણ પણ વધે છે. જે ધ્યાને લઇ જે તે યોગ્ય ભેજ વખતે જ પાક ની ઝૂડણી કરવી જોઇએ. કાપણી અને ઝૂડણી વચ્ચેના સમયગાળો વધવાથી દાણા તૂટવાનું પ્રમાણ પણ વધી જાય છે. યંત્રમાં પાકની કાપણી વખતે સપ્રમાણ ગતિ રાખવાથી બીજ તૂટવાનુ પ્રમાણ ઘટે છે. ઝૂડણી માટે થ્રેશર કે હાર્વેસ્ટરમાં નળાકારના પ્રકાર, નળાકારની ઝડપ અને કોન્કલેવ ક્લીયરન્સ ની વિગતો મુજબ કાર્ય કરવુ જોઇએ. હાર્વેસ્ટર અથવા કમ્બાનરથી કાપણી- ઝૂડણી માટે પાક એકરૂપ અવસ્થાએ પાકેલ હોવો ખૂબ જ જરૂરી છે. ભેજ અને પરિપક્વતાની વિવિધતા, કાપણી અને ઝૂડણીની કાર્યક્ષમતાની કાપણી પછીના બીજની સંગ્રહ ક્ષમતા અને ગુણવત્તા ને અસર કરે છે. દા.ત. ડાંગરના પાકમાં હાથથી કાપણી અને કમ્બાઇન હાર્વેસ્ટરથી કરતાં શરૂઆતનો ઉગાવો ૯૧% થી ઘટીને એક વર્ષ ના અંતે અનુક્રમે ૮૦ થી ૮૫% અને ૭૦ થી ૭૬% જેટલો ઘટાડો નોંધાયેલ છે. થ્રેશર, હાર્વેસ્ટર, ઝૂડણી માટેનુ ભોંયતળીયુ. પ્રસંસ્કરણ જેવા યંત્રો વગેરે દરેક જાત તથા દરેક પાક વખતે સંપૂર્ણ સફાઇ કરીને જ વાપરવા જોઇએ. કાપણી કરેલ પાક ભેજવાળી જગ્યાએ ન રાખતા પાકું/કાચા ભોંયતળીયા પર જ રાખવા જોઇએ.

સૂકવણી

સામાન્ય રીતે કુદરતી સૂર્યપ્રકાશ તથા ખૂલા વાતાવરણમાં જ પાકની સૂકવણી કરવામાં આવે છે. સુકવણીએ હવાના ભેજ પર વધુ આધાર રાખે છે. સામાન્ય રીતે પાકના સંગ્રહ માટે સલામત ભેજવાળા વાતાવરણમાં લઇ જવાય છે. જ્યારે વાતાવરણમાં ૯૦% કે તેથી વધુ સાપેક્ષ ભેજ હોય ત્યારે ફૂગ/મોલ્ડનો વિકાસ થવાથી બીજની સ્ફૂરણશક્તિમાં ઘટાડો થાય છે. જેના લીધે વધુ સાપેક્ષ ભેજ અને ઊંચા તાપમાનમાં સૂકવણી ના કરવી જોઇએ. જો બિયારણમાં ભેજ નુ પ્રમાણ વધુ જણાય તો પહેલા છાયડાવાળી જગ્યાએ સૂકવણી કરવી ત્યારબાદ, ભેજ ઓછો થયેથી જ સૂર્યપ્રકાશમાં સૂકવણી કરવી જોઇએ. સૂર્યપ્રકાશમાં સૂકવણી વખતે પાતળા સ્તરમાં કરવી જેથી લઇને પાકનું બિયારણ જલદી સૂકાઇ જાય. યાંત્રિક અથવા કુત્રિમ સૂકવણીમાં ગરમ કે સાદી હવા દબાણથી બિયારણના જથ્થામાંથી પસાર કરાવવામાં આવે છે.. જેથી જરૂર કરતાં વધુ પાકવાની અને ખેતરમાં પાક ખરાબ થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે. આમ, સમયસર ઝડપથી અને એકરૂપ સૂકવણી કરવાથી ઉંદર, પક્ષી વગેરેથી થતુ નુક્સાન અટકાવી શકાય છે.

સામાન્ય રીતે બીજ નો ભેજ ૧૨%થી ઓછો હોય તો ૪૩0 સે, ૧૨થી૧૮% હોય તો ૩૭0 સે અને જો ૧૮% થી વધુ હોય તો ૩૨૦ સે તાપમાને સૂકવણી કરવી જોઇએ. આમ મકાઇ, જુવાર, બાજરા અને સોયાબીન જેવા પાકોમાં ૪૩0 સે અને મગફળીમાં ૩૦ થી ૩૨૦ સે તાપમાનની ભલામણ થયેલ છે. મુખ્યત્વે ખૂબ મોંઘા બિયારણો તેમજ શાકભાજી પાકોના બિયારણો માટે ડેસીકન્ટ ધ્વારા સૂકવણી કરવામાં આવે છે. જેમાં ૨૦ થી ૨૫૦ સે તાપમાને બંધ પાત્રમાં સિલિકા જેલ સાથે બીજ ને રાખી સૂકવણી કરવામાં આવે છે. પરંતુ જો બિયારણમાં ભેજ નું પ્રમાણ ૧૩% કરતાં ઓછું હોય તો જ આ પધ્ધતિથી ૧ થી ૨% જેટલો ભેજ દૂર કરી શકાય છે. તેથી ૧ કિ.ગ્રા સિલિકા જેલ /૧૦ કિ.ગ્રા ના પ્રમાણથી વાતવરણના ૪૫% સાપેક્ષ ભેજ સાથે સંતુલન હોય એટલો બીજ નો ભેજ લાવી શકાય. જ્યારે બિયારણમાં રાખેલ સિલિકા જેલ ગુલાબી થાય ત્યારે ૧૦૫૦ સે પર રાખી ભેજ દૂર કરી શકાય છે.

મુખ્યત્વે બીજની ગુણવત્તાને અસર કરતાં સૂકવણીના મુખ્ય પાસાઓમા બીજ નો પ્રકાર, બીજમાં શરૂઆતમાં ભેજનું પ્રમાણ, બીજની સૂકવણી વખતેના થર ની જાડાઇ, બીજનું તાપમાન, બીજ ની ભૌતિક રચના, બંધારણ, બીજની પરમીએબીલીટી, સૂકવણી માટેના પાત્રની માપ-ક્ષમતા, હવા પ્રવાહ નો દર, દબાણ, વાતાવરણમાં હવાનુ તાપમાન, સાપેક્ષ ભેજ, સૂકવણી સમયે તાપમાન, સૂકવણીનો સમય તેમજ યંત્રનો પ્રકાર મુખ્ય ભાગ ભજવે છે. સૂકવણી બાદ ૧- ૨% થી વધુ બીજ નો ઉગાવો ઘટતો નથી. પરંતુ જુદી જુદી પધ્ધતિથી સૂકવણીક કર્યા બાદ સંગ્રહ દરમિયાન ઉગાવાનો ઘટાડો પણ જુદો જુદો જણાયેલ છે. દા.ત.૧ વર્ષ ના અંતે મગફળીમાં ૧૩ થી ૪૨% જેટલો ઘટાડો થાય છે.

એ. ડી. વર્મા - ખેતી અધિકારી, કે. જી. કણજારીયા - મદદનીશ સંશોધન વૈજ્ઞાનીક, બી. કે. દાવડા - સંશોધન વૈજ્ઞાનીક, એન. વી. રાદડીયા - મદદનીશ સંશોધન વૈજ્ઞાનીક મુખ્ય જુવાર સંશોધન કેંન્દ્ર, નવસારી કૃષિ યુનીવર્સિટી, સુરત