તલ એ ખુબ જ અગત્યનો નિકાસલક્ષી તેલીબિયા પાક છે. તલનાં નિકાસ થકી ભારત દેશને કરોડો રૂપીયાનું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. તલનો પાક ચોમાસુ, અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુમાં લઇ શકાય છે. તલનાં પાકમાં વાવણીથી કાપણી સુધીમાં વિવિધ પ્રકારની જીવાતો નુકશાન કરતી માલુમ પડે છે. તે પૈકી પાન વાળનારી / બૈઢા કોરી ખાનારી ઈયળ, ગાંઠીયા માખી, પાન કથીરી, તલનાં છોડ કાપી ખાનારી ઇયળ, તલના દાણાનાં ચુસિયા વગેરે સૌરાષ્ટ્ર વિસ્તારની મુખ્ય જીવાતો છે. આ બધી જીવાતો પૈકી તલની પાન વાળનારી ઈયળ વિષેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે.

પાન વાળનારી ઇયળ:

જીવાતની ઓળખ અને નુકશાન:

આ જીવાતની ઇયળ પીળાશ પડતા આછાં લીલા રંગની હોય છે તેમજ તેનાં શરીર ઉપર ટુંકા કાળા વાળ ધરાવે છે. ઈયળ અવસ્થા શરૂઆતમાં વિકાસ પામતા છોડનાં ટોચનાં કુમળા પાનને એકબીજા સાથે જોડી પાનની વચ્ચે રહીને સંતાઇને પાન ખાય છે, આથી ખેડુતો આ જીવાતને તલનાં માથા બાંધનારી ઇયળના નામથી ઓળખે છે. પાકની ફૂલ અવસ્થાએ આ જીવાત કળી તથા ફુલ કોરીને નુકશાન કરે છે. આવા નુકશાન પામેલા ફૂલ પર બૈઢા બેસતા નથી, જેથી છોડની ડાળીનો તેટલો ભાગ બૈઢા વગરનો ખાલી જોવા મળે છે. આ જીવાત છોડની પાછલી અવસ્થાએ બૈઢામાં કાણું પાડી તેમાથી દાણા ખાઇ જાય છે, આથી આ જીવાતને બૈઢા કોરી ખાનારી ઇયળ પણ કહે છે.

સંકલિત જીવાત વ્યવસ્થા૫ન:

    • આ જીવાતનાં ફુદાનાં નિયંત્રણ માટે ખેતરમાં રાત્રે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
    • તલ સાથે અડદ (૨:૧) આંતર પાક તરીકે લેવાથી આ જીવાતનું પ્રમાણ ઘટે છે.
    • આ જીવાતની શરૂઆતનાં તબક્કાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીનાં મીંજનો ભુકો ૩૦૦ ગ્રામ (૩% અર્ક) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
    • આ જીવાતનાં નિયંત્રણ માટે ઇન્ડોક્સાકાર્બ ૧૪.૫ એસ.સી. ૪ મિ.લી., સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૨ મિ.લી., લેમડા સાયહેલોથ્રીન ૫ ઈ.સી. ૧૦ મિ.લી., ઇમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૭ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૨૦ ઈ.સી. ૩ મિ.લી. દવા પૈકી કોઈ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
જીગર એન. કોટક અને અતુલ આર. રાઠોડ જૂ.કૃ.યુ., જૂનાગઢ