આજ કાલ મોટા શહેરોમાં બેબીકોર્નનું નામ ખૂબ જ પ્રચલિત જાય છે. બેબીકોર્ન એટલે મકાઇના છોડ ઉપર ડોડામાં મૂછ આવ્યા બાદ બે થી ત્રણ દિવસમાં તોડી લેવામાં આવતો નાનો ડોડો. આ નાના ડોડામાં દાણા હોતા નથી. ફકત દાણા મુકત ગર્ભનો જ ઉપયોગ બેબીકોર્ન તરીકે થાય છે. ગુજરાત રાજયમાં વડોદરા, આણંદ તથા સૂરતની આસપાસ કેટલાક ખેડૂત મિત્રો બેબીકોર્નની ખેતી તરફ વળ્યા છે. એક જ છોડ ઉપર અંદાજીત ૩ થી ૪ વખત બેબીકોર્નનું પીકિંગ કરી શકાય છે. બેબીકોર્નની વાવણી પછી લગભગ ૫૨ થી ૫૫ દિવસે બેબીકોર્ન આવવાની શરૂઆત થાય છે અને અંદાજીત ૬૫-૭૦ દિવસ સુધી બેબીકોર્નનું પીકિંગ કરી શકાય છે.

બેબીકોર્નનું પીકિંગ કર્યા બાદ તેને તે જ દિવસે અથવા બીજા દિવસે માર્કેટમાં વેચાણ માટે પહોંચતા કરવા પડે અન્યથા તેની ગુણવત્તા બગડી જવાથી બજાર ભાવ સારા મળતા નથી. વધુ માત્રામાં બેબીકોર્ન હોય તો ડીપફ્રીજ જાળવણી કરી બીજે દિવસે માર્કેટમાં પહોંચતા કરવા જરૂરી છે. જેથી ગુણવત્તા જાળવી શકાય.

૧ કિલો બેબીકોર્ન નો ભાવ અંદાજીત ૧૦૦ થી ૧૨૦ રૂપિયા સુધીનો મળી શકે છે. ૧ હેકટરે ૧૨૦૦ થી ૧૪૦૦ કિલો બેબીકોર્નનું ઉત્પાદન મળી શકે છે. આમ, હેકટરે એક લાખ રૂપિયા થી પણ વધુ આવક ટૂંકાગાળામાં મેળવી શકાય છે. વધુમાં બેબીકોર્નનું લીલુ ઘાસ પણ હેકટરે ૪૦૦૦૦ રૂપિયાથી પણ વધુ આવક આપે છે.

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી વાવણી 
સમય :
♦ ચોમાસુ : ૧૫ જૂન થી ૧૫ જૂલાઇ
♦ શિયાળુ : ૧૫ આેકટોબર થી ૧૫ નવેમ્બર (પિયતની સગવડ જરૂરી છે)
♦ ઉનાળુ : ૧૫ જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરી (પિયતની સગવડ જરૂરી છે)

સેન્દ્રિય ખાતર : વાવતાં પહેલાં હેકટરે ૫ ટન છાણિયું ખાતર જમીનમાં આપવું.
બીયારણની પસંદગી : ગોધરા કેન્દ્ર દ્વારા ભલામણ કરેલ જાત GAYMH-1 નો ઉપયોગ કરવો.
બીજનો દર : ૧ હેકટરે ૧૫ કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહે છે.

વાવણી અંતર : 
♦ બે હાર વચ્ચે ૪૫ સે.મી.
♦ બે છોડ વચ્ચે ૨૦ સે.મી.

 શ્રી કે. એચ. પટેલ ,ડાૅ. એમ. બી. પટેલ , ડાૅ. પી. કે. પરમાર 
મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, ગોધરા જિ. પંચમહાલ -૩૮૯૦૦૧ફોન (મો.) ૯૪૨૮૧૩૨૧૮૮