ચણાની જાતો:


૧. ગુજરાત ચણા-૧

આ જાત પિયત તેમજ બિનપિયત બન્ને વિસ્તારો માટે ૧૯૯૭માં બહાર પાડવામાં આવેલ છે. જૂની જાતો ચાફા, દાહોદ પીળા અને આઈ.સી.સી.સી.-૪ કરતાં તેનું ઉત્પાદન ૨૭ ટકા વધારે મળતું હોવાથી ખેડૂતોએ જૂની જાતોને બદલે આ જાત વાવવી. આ જાત ગુજરાત સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય થયેલ છે. જે ખેડૂતોએ ખાસ કરીને પિયત ચણા લેવા હોય તેણે આ જાતની જ પસંદગી કરવી.

૨. ગુજરાત ચણા-૨

રાજ્યના ઘેડ અને ભાલ જેવા બિનપિયત વિસ્તારો માટે આ જાત ૧૯૯૮માં બહાર પાડવામાં આવેલ છે. ૯૦ થી ૯૫ દિવસોમાં પાકતી આ જાતનો દાણો ચાફા જેવા દેશી દાણા કરતાં અઢી થી ત્રણ ગણો મોટો હોવાથી તેનો બજાર ભાવ ઊંચો મળે છે. તેને સૂકારા જેવો કોઈ રોગ લાગતો નથી તેથી સમગ્ર ભાલ વિસ્તારમાં ચાફાની જગ્યાએ તેનું ઘનિષ્ટ વાવેતર શરૂ થયું છે. આ જાતનો ઉતારો જૂની જાત કરતાં સવાથી દોઢ ગણો વધારે મળે છે. બજારમાં તેના મોટા દાણાને લીધે જીંજરાની પુષ્કળ માંગ ઊભી થયેલ છે. ભાલના ખેડૂતોએ લાખો રૂપિયાના જીંજરા વેચેલ છે. ઘેડ વિસ્તારના ખેડૂતોને કાંકરીયાને બદલે ચણા ગુજરાત-૨ વાવવાની ખાસ ભલામણ છે, કારણ કે આ જાત ભાલની જેમ ઘેડની સંગ્રહિત ભેજની પરિસ્થિતિ માટે ખૂબ જ અનુકૂળ છે. ભાલ અને ઘેડમાં ચણા ગુજરાત- ૧ પણ બિનપિયતમાં ખૂબ જ સારો ઉતારો આપે છે.

૩. ગુજરાત જૂનાગઢ ચણા-૩

રાજ્યના ઘેડ અને ભાલ જેવા બિનપિયત વિસ્તારો માટે આ જાત ૨૦૦૮માં બહાર પાડવામાં આવેલ છે. ૯૫ થી ૧૦૦ દિવસોમાં પાકતી આ જાતનો દાણો આકર્ષક પીળા રંગનો છે. તેને સૂકારા જેવો કોઈ રોગ લાગતો નથી તેથી સમગ્ર ભાલ વિસ્તારમાં ચાફાની જગ્યાએતેનું ઘનિષ્ટ વાવેતર શરૂ થયું છે. આ જાતનો ઉતારો ૧૪૦૦-૧૫૦૦ કિ.ગ્રા./હે. મળે છે.

૪. ગુજરાત ચણા-૫

રાજ્યના પિયત વિસ્તારો માટે આ જાત ૨૦૧૪માં બહાર પાડવામાં આવેલ છે. ૧૦૦ થી ૧૦૩ દિવસોમાં પાકતી આ જાતનો દાણો ભૂરા પીળા રંગનો છે. આ સૂકારા અને પાનના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવતી જાત છે. આ જાતનો ઉતારો ૨૪૦૦-૨૫૦૦ કિ.ગ્રા./હે. મળે છે. ૫. ગુજરાત જૂનાગઢ ચણા-૬ રાજ્યના ઘેડ અને ભાલ જેવા બિનપિયત વિસ્તારો માટે આ જાત ૨૦૧૪માં બહાર પાડવામાં આવેલ છે. ૧૦૫ થી ૧૧૦ દિવસોમાં પાકતી આ જાતનો દાણો દેશી જાત જેવો મધ્યમ કદનો આકર્ષક ઘાટા ભૂખરા રંગનો છે. આ જાત સૂકારા અને પાનના સ્ટન્ટ વાયરસના રોગ સામે પ્રતિકારકતા ધરાવતી જાત છે. આ જાતનો ઉતારો ૧૮૦૦-૨૦૦૦ કિ.ગ્રા./હે. મળે છે.