ખેતરમાં કપાસ લહેરાઇ રહ્યો છે ત્યારે ખેડૂતોને કપાસના સારા ભાવ મળવાની આશા દેખાવવા લાગી છે. કપાસના ઉત્પાદનની સ્થિતિ અમેરિકા, ચીન અને અન્ય દેશોમાં બહુ સારી નથી તે જ રીતે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદશે વિગેરે રાજ્યોમાં પણ કપાસના વાવેતરની સ્થિતિ સારી નથી. આ સંજોગોમાં ખેડૂતો કપાસ વેચવાની ઉતાવળ નહીં કરે તો સારા ભાવ મળશે તે નક્કી છે. કપાસના સારા ભાવ મેળવવાની ચાવી ખેડૂતોને હાથમાં રહેશે પણ ખેડૂતો ઉતાવળા બનીને એક સાથે કપાસ વેચવા આવશે અને માર્કેટયાર્ડોમાં ઢગલા થવા લાગશે તો કપાસના ભાવ પાણી-પાણી થતાં વાર પણ નહીં લાગે તે નક્કી છે. આ સંજોગોમાં વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તામાં કપાસ ખરીદીને આગળ જતાં તેઓ મોટી કમાણી કરશે અને રાત-દિવસ કાળી મજૂરી કરનારા ખેડૂતોને હાથમાં રાતી પાઇ પણ નહીં આવે.



દુનિયામાં ભારત સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરે છે પણ ભારતની બદલે અમેરિકા અને ચીનના કપાસના પાક પરથી દુનિયામાં કપાસ અને રૂના ભાવ નક્કી થાય છે. અમેરિકા દુનિયામાં સૌથી વધુ કપાસ-રૂની નિકાસ કરે છે અને અમેરિકામાં ચાલતો ન્યુયોર્ક રૂ વાયદો આખી દુનિયાના કપાસ- રૂના ભાવ નક્કી કરે છે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૨ ટકા વધ્યું હતું ત્યારે મોટો પાક થશે તેવી ધારણા હતી પણ ત્યારબાદ અમેરિકાના કપાસ ઉગાડતાં વિસ્તારો ટેક્સાસ, જ્યોર્જિયા, આકલોહોમ વિગેરેમાં ભારે દુષ્કાળ પડતાં અનેક વિસ્તારમાં કપાસનો પાક સુકાઇ જતાં હવે અમેરિકામાં ગયા વર્ષથી પણ કપાસ-રૂનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ મૂકાઇ રહ્યો છે. અમેરિકાના ખેતીવાડી ખાતાએ રૂનું ઉત્પાદન ત્યાં ૧૬૧.૭ લાખ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી) થવાનો અંદાજ મૂક્યો છે જે ગયા વર્ષે ૧૮૭.૪ લાખ ગાંસડી ઉત્પાદન થયું હતું. આમ, અમેરિકામાં રૂનું ઉત્પાદન ૨૬ લાખ ગાસંડી ઘટશે. ચીનમાં કપાસ ઉગાડતાં વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કપાસનો પાક ધોવાઇ જતાં હવે ૩૫૨.૬ લાખ ગાસંડી રૂનું ઉત્પાદન ચીનમાં થવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૩૭૮.૩૦ લાખ ટન થયુ હતું. આમ, ચીનમાં પણ ૨૭ થી ૨૮ લાખ ગાંસડી રૂનું ઉત્પાદન ઓછું થશે. પાકિસ્તાનમાં રૂનું ઉત્પાદન ૨૦ લાખ ગાંસડી વધવાનો અંદાજ છે પણ પાકિસ્તાનની ૧૪૦ લાખ ગાંસડી રૂની જરૂરિયાત સામે ૮૦ લાખ ગાંસડી જ રૂનું ઉત્પાદન થાય તો પણ પાકિસ્તાને બહાર થી જ રૂ મંગાવવું પડશે.

ભારતમાં પંજાબમાં ૧૩ ટકા અને હરિયાણામાં પાંચ ટકા કપાસનું વાવેતર ઘટયું છે તે જ રીતે મધ્યપ્રદેશમાં કપાસનું વાવેતર ચાર ટકા ઘટયું છે. ભારતમાં તમામ રાજ્યોમાં થઇને કપાસનું વાવેતર ૧૨૩.૦૯ લાખ હેકટરમાં થયું છે જે ગયા વર્ષે ૧૧૮.૫૩ લાખ હેકટરમાં થયું હતું. આમ, વિદશે માં અને અન્ય રાજ્યોમાં કપાસના વાવેતરની સ્થિતિ ખરાબ છે આથી ખેડૂતો કપાસ વેચવામાં બહુ ઉતાવળ ન કરે.